યશોધરા
રાત અડધી, દીવો ઝાંખો, ગયા તમે ચૂપચાપ,
એક વાર કહી જાત, સ્વામી, તો ય ન દેતી શ્રાપ.
રાહુલ પોઢ્યો ઘોડિયે, એને ચૂમી ગયા છાનાં,
જાગી પૂછશે ‘બાપુ ક્યાં?’, તો કહું શું? કયાં બહાનાં?
બુદ્ધ બનો તમે, ને મારે ભાગે આંસુનો તાપ…
રાત અડધી…
જગને કરુણા આપી તમે, શાંતિ, ધરમ ને જ્ઞાન,
ઘરની એક અબળાનું તોયે ધર્યું ન કોઈ ધ્યાન;
નિર્વાણ તમારું, ને મારે રોજ નવો પરિતાપ…
રાત અડધી…
પરાગ કહે: યશોધરા પણ બુદ્ધ થઈ ઘર મધ્યે,
દીકરો ઉછેરી, દીવો રાખી, ચૂપ રહી સંબંધે;
ઘર છોડ્યા વિણ જાગી, એનો કોણ ગણે છે જાપ?
રાત અડધી…
– પરાગ રતનપરા