વરસાદે પૂછ્યું
વરસાદે ઉંબરે આવી પૂછ્યું: ‘બહાર આવીશ, ગોરી?’
માએ કીધું: ‘ના, ના, દીકરી, ભીંજાશે ચૂંદડી કોરી.’
બારીએ ઊભી જોઉં હું તો, આંગણે નાચે મોર,
નેવાં ટપકે ટપ ટપ ટપ, ને હૈયે ઊઠે શોર;
પાંપણ પરથી ટીપું સરક્યું, કોણે કરી આ ચોરી?
વરસાદે ઉંબરે…
માની નજર ચૂકવી હું તો આંગણમાં જઈ ઊભી,
વાદળ વરસ્યાં ધોધમાર, ને ગઈ ગળાબૂડ ડૂબી;
ચૂંદડીનો રંગ ઊતર્યો, પણ મનની ચૂંદડી ગોરી…
વરસાદે ઉંબરે…
પરાગ કહે: વરસાદ તો આવે, જાય ને પાછો આવે,
જે ભીંજાય એ જ જાણે, કોણ કોને બોલાવે;
માએ પણ બારીએ ઊભી, ગાયું ગીત એક છોરી…
વરસાદે ઉંબરે…
– પરાગ રતનપરા