← મુખપૃષ્ઠ · કાવ્યસંગ્રહ

ચાર રસ્તા

ઑક્ટોબર ૨૦૨૬કવિતા

ચાર રસ્તે
એક ચાની કીટલી છે.

ત્યાં રોજ
કોઈ ને કોઈ
ઊભું રહી જાય છે —
હાથમાં કપ,
આંખમાં નકશો:
ડાબે જાઉં તો નોકરી,
જમણે જાઉં તો પરદેશ,
સીધો જાઉં તો બાપુની દુકાન,
પાછો વળું તો…

ચાવાળો
કપ ધોતાં ધોતાં હસે છે:
‘સાહેબ, ત્રીસ વરસથી જોઉં છું —
લોકો અહીં ઊભા રહીને
નક્કી કરે છે
ક્યાં જવું.

હું
ક્યાંય ગયો નહીં,
એટલે
સૌ
મારી પાસે આવે છે.’

– પરાગ રતનપરા

અછાંદસ
← પહેલો લેખવરસાદે પૂછ્યુંઆગલો લેખ →શબ્દકોશ