વાયરા, કહેજે
વાયરા, તું જા ને ઝટ એને ગામ, કહેજે મારું નામ,
વૈશાખે સગપણ થ્યું, ને હવે ના સૂઝે કામ.
માડી કહે: ‘લોટ બાંધ’, ને હું લોટમાં ચીતરું ફૂલ,
ચૂલે ખીચડી દાઝે, મારી થાય ભૂલ પર ભૂલ;
સખીઓ પૂછે: ‘શું થયું?’ ને હું શરમાઉં છાનીમાન…
વાયરા, તું જા ને…
ઓઢણીનો છેડો ઊડે, ઊડે મારા કેશ,
વાયરા, તું જ્યાં જાય, લઈ જા મારો આ સંદેશ;
કહેજે: ‘ઝટ આવો, વરરાજા, લઈ ઢોલ ને જાન…’
વાયરા, તું જા ને…
પરાગ કહે: આ વાયરો તો પ્રેમ તણો હલકારો,
સીમ, નદી ને પાદર ઠેકી પહોંચે સાજન-દ્વારો;
ત્યાં જઈ ગાય: ‘તારી રાહ જુએ છે કોઈનું પ્રાણ…’
વાયરા, તું જા ને…
– પરાગ રતનપરા