કૅન્ડલલાઇટ ડિનર
શહેરની ફાઇવસ્ટાર હોટેલમાં
બે હજારની પ્લેટ,
ટેબલ પર મીણબત્તી,
ધીમું સંગીત —
‘કૅન્ડલલાઇટ ડિનર’.
એ જ રાતે
પુલ નીચેની ઝૂંપડીમાં
વીજળી નથી,
મીણબત્તી છે,
ને થાળીમાં
ગઈ કાલની એક રોટલી
ચાર ભાગમાં વહેંચાય છે.
ત્યાં પણ
કૅન્ડલલાઇટ ડિનર જ છે —
બસ,
કોઈ એનો ફોટો પાડતું નથી.
– પરાગ રતનપરા