← મુખપૃષ્ઠ · કાવ્યસંગ્રહ

ઉંબરનો દીવો

ઑક્ટોબર ૨૦૨૬કવિતા

ઉંબરે મેલ્યો દીવો હું તો, બેઉ બાજુ બળું,
ઘરની અંદર હૂંફ પાથરું, બ્હાર જગતને મળું.

સવારે ચૂલો ફૂંકું, ને સાંજે ફૂંકું થાક,
દીકરીના ચોટલામાં ગૂંથું ચાંદો ને આખી રાત;
નામ મારું ભૂલી ગ્યું સૌ, ‘વહુ’ કહી બોલાવે,
તોય હસીને પગલે પગલે ઘર આખામાં ઢળું —
ઉંબરે મેલ્યો દીવો હું તો, બેઉ બાજુ બળું.

ઑફિસમાં પણ ફાઈલો લઈ મીટિંગમાં હું જાઉં,
સાંજે પાછી દાળ-ભાતમાં ગીત થઈને ગાઉં;
ડિગ્રી મારી ખીંટીએ ટાંગી, સપનાં મૂક્યાં માળિયે,
તોય ઊગતા સૂરજ જેવી રોજ નવી ઝળહળું —
ઉંબરે મેલ્યો દીવો હું તો, બેઉ બાજુ બળું.

પરાગ કહે: એ દીવો ઠરશે, તો ઘર થાશે સૂનું,
બ્હાર જગત અંધારે ડૂબે, અંદર ખાલી ખૂણું;
એને થોડું તેલ ધરો, ને થોડી હવા પણ આપો,
એનેય કહેવા દો કદી: ‘હું પણ રમું, હું પણ ભળું’ —
ઉંબરે મેલ્યો દીવો હું તો, બેઉ બાજુ બળું.

– પરાગ રતનપરા

ગીત
← પહેલો લેખદૂરથીઆગલો લેખ →માનો ફોન