← મુખપૃષ્ઠ · કાવ્યસંગ્રહ

માનો ફોન

ઑક્ટોબર ૨૦૨૬કવિતા

માને સ્માર્ટફોન આપ્યો.

એણે
મારો ફોટો
વૉલપેપર બનાવ્યો,
અને રિંગટોનમાં રાખ્યો
મારા બાળપણનો
રેકૉર્ડ કરેલો અવાજ:
‘મમ્મી…’

હવે
કોઈનો પણ ફોન આવે,
મા
‘હા, બેટા’ કહીને જ
ઉપાડે છે.

બૅન્કવાળા,
વીમાવાળા,
ખોટો નંબર —
બધા
એક ક્ષણ માટે
એના દીકરા બની જાય છે.

અને હું,
જે ખરેખર દીકરો છું,
મહિને
એક વાર
ફોન કરું છું.

– પરાગ રતનપરા

અછાંદસ
← પહેલો લેખઉંબરનો દીવોઆગલો લેખ →કાયાનો રંગ