કાયાનો રંગ
કાયા રંગ પતંગિયાનો, ઊડી જશે રે ભાઈ,
રંગ ચડાવી લે હરિનામનો, જે ન ઊતરે કાંઈ.
આરસીમાં જોઈ જોઈને કેટલું તેં શણગાર્યું,
મોંઘા લેપ ને અત્તર ચોળ્યાં, મનને ન સંવાર્યું;
કેશ થયા ધોળા, તોય મનની કાળપ ના ધોવાઈ —
કાયા રંગ પતંગિયાનો, ઊડી જશે રે ભાઈ.
માટીનો આ દીવો, એમાં શ્વાસનું થોડું તેલ,
કાળ-પવનના એક જ ઝોકે પૂરો થાશે ખેલ;
પ્રેમની વાટ ચડાવી દે, તો જ્યોત રહે સવાઈ —
કાયા રંગ પતંગિયાનો, ઊડી જશે રે ભાઈ.
પરાગ કહે: આ ફૂલ ખરે, પણ મ્હેક હવામાં રે'તી,
એમ જીવી લે, તારી વાતો ગામ રહે સૌ કે'તી;
રંગ ભલે ઊડી જાય, રહે સત્કર્મની સચ્ચાઈ —
કાયા રંગ પતંગિયાનો, ઊડી જશે રે ભાઈ.
– પરાગ રતનપરા