શિયાળુ સવાર
ધુમ્મસની ઓઢણી ઓઢી, આવી શિયાળાની સવાર,
તાપણે બેઠાં દાદા-દાદી, ને ગરમ ચાની ધાર.
ઝાકળ ઝૂલે ઘાસની અણીએ, જાણે મોતીની માળ,
પંખી પણ માળામાં લપાયાં, ઢાંકી પાંખની ઢાલ;
સૂરજ પણ આળસ મરડીને મોડો ઊઠે ધરાર…
તાપણે બેઠાં દાદા-દાદી…
બાજરાના રોટલા, ને રીંગણનો ઓળો ભાળ,
ઊંધિયું ઊકળે માટલામાં, મ્હેકે ગલી ને પાળ;
ગોળ-તલની ચીકી ખાતાં, બાળક કરે પોકાર…
તાપણે બેઠાં દાદા-દાદી…
પરાગ કહે: શિયાળો તો છે હૂંફનો એક તહેવાર,
ગોદડું એક ને ચાર જણ, તોય થાય ના તકરાર;
ઠંડી જેટલી બ્હાર વધે, એટલો ભીતર પ્યાર…
તાપણે બેઠાં દાદા-દાદી…
– પરાગ રતનપરા