રુસણું
સાજન, તારું રુસણું પણ લાગે મીઠું ગોળ,
મનાવવાના બહાને મળતો વ્હાલનો વધુ તોલ.
તું ફુલાવે ગાલ, અને હું ગણું ગાલના તલ,
ઘડિયાળ કહે: ‘મોડું થ્યું’, ને હું કહું: ‘હજી પલ’;
રુસણું તારું ઝરમર જેવું, ભીંજવે આખી પોળ —
સાજન, તારું રુસણું પણ લાગે મીઠું ગોળ.
ચા ઠંડી થઈ જાય, ને તારો પારો ચડતો જાય,
હું ચૂપ થઈને બેસું ત્યાં તો તું જ હસી પડાય;
તારા રુસણામાં પણ હસતા વ્હાલના મીઠા બોલ —
સાજન, તારું રુસણું પણ લાગે મીઠું ગોળ.
પરાગ કહે: આ જનમ આખો રિસાજે તું, રાણી,
હું મનાવતો રહીશ તને, ને વહેતું રહેશે પાણી;
ઘરડાં થઈશું ત્યારે પણ આ રમત રહેશે અમોલ —
સાજન, તારું રુસણું પણ લાગે મીઠું ગોળ.
– પરાગ રતનપરા