← મુખપૃષ્ઠ · કાવ્યસંગ્રહ

વરસાદ સરકારી બાબુ

ઑક્ટોબર ૨૦૨૬કવિતા

આ વરસાદ તો સરકારી બાબુ જેવો રે ભાઈ,
ફાઈલ લઈને આવે મોડો, ને જાય વહેલો જઈ.

અષાઢ આવ્યો, અરજી કીધી, સહી-સિક્કા પણ લીધા,
વાદળ કહે: ‘સાહેબ રજા પર’, કાગળ પાછા દીધા;
ખેડૂત બેઠો ટેબલ સામે, આંખે ટીપું લઈ —
આ વરસાદ તો સરકારી બાબુ જેવો રે ભાઈ.

શ્રાવણમાં તો એવો ત્રાટક્યો, જાણે ચૂંટણી આવી,
રસ્તા, ગટર ને પુલ બધાંની પોલ દીધી બતાવી;
ખાડે ખાડે તળાવ ઊગ્યાં, ગામ ગયું ડૂબી ભઈ —
આ વરસાદ તો સરકારી બાબુ જેવો રે ભાઈ.

પરાગ કહે: એને પણ લાંચ ધરો તો ઝટ આવે કદાચ,
વૃક્ષ વાવો, એ જ છે રુશ્વત, બાકી બધું છે કાચ;
ધરતીની ફાઈલ ત્યારે ઊપડે, લીલી સહી થઈ —
આ વરસાદ તો સરકારી બાબુ જેવો રે ભાઈ.

– પરાગ રતનપરા

ગીતવ્યંગ
← પહેલો લેખકાળી-ધોળી ફિલમઆગલો લેખ →રુસણું