રંગરેજા
રંગરેજા રે, રંગરેજા, મારી ચૂંદડી રંગી આલ,
ધોયે ના ધોવાય, તડકે ના ઊડે, એવો કરજે લાલ.
કેસૂડાનો રંગ લીધો ને મેંદીનો લીધો મોર,
સાંજ પડે ત્યાં આભ ઢોળે સિંદૂરિયો કટોર;
એ બધા ઝાંખા પડે, તું એવો ઘોળજે ગુલાલ…
રંગરેજા રે…
ગામ આખું પૂછે મુજને: ‘કોના નામની ઓઢી?’
હું મલકીને ઝૂકી જાઉં, વાત ન દઉં રે છોડી;
સાજનની નજરુંમાં બોળી રંગજે મારો હાલ…
રંગરેજા રે…
પરાગ કહે: આ ચૂંદડી તો ઘડી બે ઘડીની વાત,
સાચો રંગરેજ તો મનનો, રંગે આખી જાત;
પ્રીતના કૂંડે જે બોળાયું, એને શો ચોમાસું, શો કાળ?
રંગરેજા રે…
– પરાગ રતનપરા