ઊંચાઈ પર
ભીડ તો નીચે રહી, હું એકલો ઊંચાઈ પર,
સૂર્ય દેખાતો હતો ત્યાં ધૂંધળો ઊંચાઈ પર.
જે ખભા પર પગ ટકાવ્યા, એ ખભા દેખાય ના,
આ સફળતામાં ય લાગું વામણો ઊંચાઈ પર.
ટોચ પર ઝંડો ય ખોડ્યો, સાથમાં બીજું ન’તું,
સાવ સૂનો, સાવ ખાલી, ખોખલો ઊંચાઈ પર.
જે પતંગે આભ ચૂમ્યું, દોર એની ક્યાં હતી?
કાગળે દીધો દિલાસો, પાતળો ઊંચાઈ પર.
ખીણમાં ઊગેલ ફૂલે મ્હેક દીધી ગામને,
ને ‘પરાગે’ જીદ રાખી, પાંગળો ઊંચાઈ પર.
– પરાગ રતનપરા
#ગઝલ #સફળતા #એકલતા #અહંકાર #ઊંચાઈ #પરાગરતનપરા
#GujaratiGhazal #LonelyAtTheTop #Success #Ego #Humility #ParagRatanpara