પ્રેમમાં પડ્યા છો?
પ્રેમમાં પડ્યા છો કદી? તો કહો, વાગ્યું કેટલું?
ઢીંચણ છોલાયા કે હૈયું, ખિસ્સું ખાલી કેટલું?
પહેલી નજરે દિલની બૅટરી પળમાં ઊતરી જાય,
રાતભર ‘ટાઇપિંગ…’ જોઈ જોઈ, સવાર પડી જાય;
બૉસ પૂછે: ‘રિપોર્ટ ક્યાં છે?’ — હું પૂછું: ‘એ ક્યાં ગઈ?’
આખી ઑફિસ હસે, ને હું ગણું — ‘સીન’ થયું કેટલું!
પ્રેમમાં પડ્યા છો કદી…
ગુલાબ લીધું સો રૂપિયાનું, ચૉકલેટ લીધી પાંચસો,
ફિલ્મ, પૉપકૉર્ન, કૉફી — ખિસ્સે પડ્યો ભારે ઘસરકો;
મહિનાને અંતે પપ્પાએ ચશ્માં ચડાવી પૂછ્યું:
‘બેટા, આ તે ભણતર છે કે ભાડું? ખર્ચ્યું કેટલું?’
પ્રેમમાં પડ્યા છો કદી…
પરાગ કહે: હસવાની વાત, પણ સાચું કહું ભાઈ,
પ્રેમમાં પડવું સહેલું, ઊભા થવામાં ચતુરાઈ;
પડીને જે ઊભો થાય, એને પછી સમજાય —
ઘા ગણો તો થોડા છે, પણ મળ્યું છે કેટલું!
પ્રેમમાં પડ્યા છો કદી…
– પરાગ રતનપરા