← મુખપૃષ્ઠ · કાવ્યસંગ્રહ

ભાઈબંધ

ઑક્ટોબર ૨૦૨૬કવિતા

ચાલ ભાઈબંધ, ટપરીએ ચા પીએ, કટિંગમાં કરીએ ભાગ,
કાલની ચિંતા કાલે કરશું, આજે ગાઈએ રાગ.

છેલ્લી બેન્ચે બેસી કોતર્યાં’તાં આપણ બેનાં નામ,
પ્રોફેસર પૂછે: ‘શું સમજ્યા?’ — ‘સાહેબ, સીતારામ!’
એક જ સાઇકલ, ત્રણ સવારી, ચાર રસ્તે પોલીસ,
પોલીસમામાની સીટી વાગી, ને અમે ભાગંભાગ!
ચાલ ભાઈબંધ…

તારી પહેલી નોકરી ને મારું પહેલું દિલ તૂટ્યું,
એક જ પ્યાલે બેય ઉજવ્યાં, કોણ હસ્યું, કોણ રૂઠ્યું?
બાપુ ગયા ત્યારે ખભો તેં મૂક્યો મારે માથે,
દુઃખમાં તું દીવો થઈ ઊભો, જ્યારે લાગી આગ.
ચાલ ભાઈબંધ…

પરાગ કહે: આ જીવતર તો છે ત્રણ ઘડીનો ખેલ,
ધન, પદવી ને નામ બધાં તો રેતી ઉપર રેલ;
પણ ભાઈબંધની તાળી જ્યાં પડે, ત્યાં ખીલે આખો બાગ.
ચાલ ભાઈબંધ, ટપરીએ ચા પીએ…

– પરાગ રતનપરા

ગીત
← પહેલો લેખચાળીસમે માળેઆગલો લેખ →પ્રેમમાં પડ્યા છો?