← મુખપૃષ્ઠ · કાવ્યસંગ્રહ

પિયર ગઈ ઘરવાળી

ઑક્ટોબર ૨૦૨૬કવિતા

ઘરવાળી ગઈ પિયર, ને ઘરમાં મચી ગઈ ધમાલ,
ચા મૂકતાં પણ આવડે નહીં, દૂધ ઊભરાયું બેહાલ!

ખાંડનો ડબ્બો ક્યાં હશે? ક્યાં હશે મીઠાની બરણી?
રસોડું લાગે ભુલભુલામણી, જાણે જંગલની કરણી;
મોજાં મળે ના, રૂમાલ જડે ના, ચાવી ગાયબ કમાલ…
ઘરવાળી ગઈ પિયર…

પહેલે દિ’ તો મોજ કરી, ને મિત્રો બોલાવ્યા રાતે,
બીજે દિ’ એઠાં વાસણ જોઈ, રડવું આવ્યું વાતે વાતે;
ત્રીજે દિ’ તો ફોન કરીને કીધું: ‘આવ, તું જ મારી ઢાલ!’
ઘરવાળી ગઈ પિયર…

પરાગ કહે: ઘરવાળી વિના ઘર તો સૂનું મેદાન,
હોય ત્યારે કચકચ લાગે, ન હોય તો સૂકે પ્રાણ;
માનો કે ના માનો, ભાઈ, એ જ છે ઘરની ટકસાળ…
ઘરવાળી ગઈ પિયર…

– પરાગ રતનપરા

ગીતહાસ્ય
← પહેલો લેખઆંસુ છેઆગલો લેખ →એક ટહુકો