એક ટહુકો
ઓ રે વાલમ, એક જ માગું, ટહુકો એક તું દેજે,
સૂની સાંજે આંગણિયે આવી, નામ મારું લેજે.
નથી માગતી ઝાંઝર-ઝૂમખાં, નથી માગતી ચૂંદડી,
નથી માગતી મેડી-મહેલો, નથી માગતી મૂંદડી;
ભૂલી જઉં જો હું મારી જાતને, તો તું યાદ કરી કહેજે…
ઓ રે વાલમ, એક જ માગું…
આયખું આખું વાટ જોઈ, હું તો સૂકી ડાળી,
તારો એક જ ટહુકો પડે, ને થઉં લીલી હરિયાળી;
બાકી સઘળું તારું રાખજે, આ એક પળ મને દેજે…
ઓ રે વાલમ, એક જ માગું…
પરાગ કહે: ફૂલ ન માગે આખો બાગ-બગીચો,
એક ભમરો ગુંજી જાય, તો એનો જનમ સાચો;
પ્રેમ ન માગે મોતી-માણેક, એક ઇશારો દેજે…
ઓ રે વાલમ, એક જ માગું…
– પરાગ રતનપરા