પથ્થરનો દેવ
પથ્થરનો દેવ તું, ને હું તો ફૂલની પાંખડી રે,
તારે ચરણે ધરું તોયે તું ના જુએ આંખડી રે.
રોજ સવારે દીવો કરું, ને ગાઉં તારાં ગીત,
તું તો મૂંગો ઊભો રહે, ના બોલે, ના કરે પ્રીત;
સાત જનમની સેવા મારી, તોય ન ખૂલી આંખડી રે…
પથ્થરનો દેવ…
લોક કહે: ‘એ પથ્થર, ગાંડી, શું માગે છે એની પાસ?’
મેં કીધું: ‘પથ્થરમાં પણ છે મારા પ્રેમની આસ;’
ટીપે ટીપે પથ્થર ઘસાય, જો ઝરતી રહે આ ધાર રે…
પથ્થરનો દેવ…
પરાગ કહે: જે પથ્થર પૂજે, પથ્થર એને ફળે,
પ્રેમ જ એવો પારસ, જેથી લોઢું સોનું બને;
એક દિ’ તું પણ મલકીશ, મારી ભીંજશે આંખડી રે…
પથ્થરનો દેવ…
– પરાગ રતનપરા