બાબાજીનો આશ્રમ
બાબાજી
હિમાલયની ગુફામાં
ચાલીસ વર્ષ તપ કરીને આવ્યા છે,
એવું
એમના બૅનર પર લખ્યું છે.
આશ્રમ
એરકન્ડિશન્ડ છે.
પ્રવચન
ત્રણ ભાષામાં લાઇવ છે.
મોક્ષનાં
ત્રણ પૅકેજ છે —
સિલ્વર, ગોલ્ડ ને પ્લૅટિનમ.
‘માયા ત્યાગો,’
બાબાજી કહે છે,
ને ભક્તો
દાનપેટીમાં
માયા ત્યાગી દે છે.
સાંજે
બાબાજીની
ઇમ્પોર્ટેડ ગાડી નીકળે છે,
ને દરવાજે બેઠેલો
એક સાચો ફકીર
ધૂળ ખંખેરીને
ઊભો થાય છે,
ને કહે છે:
‘ચાલ, જીવ,
આ ગામમાં
ઈશ્વર
ઘણો મોંઘો થઈ ગયો.’
– પરાગ રતનપરા