મીણ છે
વજ્ર બ્હારે, બાપ મારો સાવ અંદર મીણ છે,
ગાળ દે, ગુસ્સો કરે છે, એ જ પથ્થર મીણ છે.
ચામડી દાઝી ભલે, ને હાથમાં કાંટા ભલે,
એ હૃદય તો સાવ કોમળ, સાવ સુંદર મીણ છે.
ગામ જેની હાકથી ધ્રૂજે, સભામાં સિંહ જે,
બાળ મલકે, ને પછી તો સાવ ભીતર મીણ છે.
હું ય જ્યાં સૂતો નિરાંતે, એ ય જાગ્યો રાતભર,
ઠંડમાં ઓઢાડતો જે, એ જ ચાદર મીણ છે.
આ પરાગે જિંદગીભર પથ્થરો ફોડ્યા ઘણા,
ઠોકરો ખાતાં જણાયું, સાવ પથ્થર મીણ છે.
– પરાગ રતનપરા
#ગઝલ #પિતા #પિતૃપ્રેમ #કઠોરતા #કોમળતા #પરાગરતનપરા
#GujaratiGhazal #Father #FathersLove #ToughOutsideSoftInside #Family #ParagRatanpara