← મુખપૃષ્ઠ · કાવ્યસંગ્રહ

પરોઢ

ઑક્ટોબર ૨૦૨૬કવિતા

પરોઢિયે કોણે ઉઘાડી બારી, કોણે ઢોળ્યો રંગ?
જાગી ઊઠી ચકલી, ને જાગ્યું મારું અંગેઅંગ.

પાંપણ ઊઘડી કે ઝાકળ ઊઘડ્યું, કોને પૂછું, બેની?
ગાય ભાંભરી, ઘંટી ગાજી, વલોણે ઘૂમી વેણી;
આભે કેસર, આંગણે છાણ, ને ચૂલે ચડ્યો ઉમંગ…
પરોઢિયે કોણે…

રાતનું સપનું પાંપણે બેઠું, ઊડી જવાને ઝાંખે,
સૂરજ આવી હળવે હળવે એને પાછું રાખે;
સપનું ને સવાર ભેગાં, જાણે સાજન-સજનીનો સંગ…
પરોઢિયે કોણે…

પરાગ કહે: આ પરોઢ નથી, આ તો હરિનો કાગળ,
રોજ લખે છે ‘જીવી લે તું’, ઝાકળની શાહી આગળ;
વાંચે એને મળે અજવાળું, ના વાંચે એ તંગ…
પરોઢિયે કોણે…

– પરાગ રતનપરા

ગીત
← પહેલો લેખથયો છું હવેઆગલો લેખ →હું ક્યાં માજી?