હું ક્યાં માજી?
મને કોઈ કહે ના ‘માજી’, હું તો હજી છું તાજી,
પૌત્ર શીખવે ફોન મને, ને હું શીખવું એને ભાજી.
સવારે ઊઠી યોગા કરું, સાંજે જાઉં ગાર્ડન,
સિત્તેર વરસે ‘સેલ્ફી’ લઉં, ને માથે બાંધું બૅન્ડન;
વહુ કહે ‘બા, આરામ કરો’, હું કહું: ‘ના, હું રાજી!’
મને કોઈ કહે ના…
ભજનમંડળીમાં ગાઉં, ને વૉટ્સઍપે મૂકું ‘રીલ’,
દાદાજીને ચશ્માં શોધી દઉં, ને ભૂલું પોતાની ‘પીલ’;
ડૉક્ટર કહે ‘મીઠું ઓછું’, હું ખાઉં છાનીમાની ખાજી…
મને કોઈ કહે ના…
પરાગ કહે: આ ઉંમર તો છે આંકડાનો ખેલ,
મન જો લીલું હોય તો, બેની, સૂકી પણ ખીલે વેલ;
વાળ ધોળા થાય તો થાય, દિલ ના થાવા દેજો પાજી…
મને કોઈ કહે ના…
– પરાગ રતનપરા