મીઠી ભૂલ
ભૂલ થઈ ગઈ રે, સખી, મીઠી મીઠી ભૂલ,
મેળે ગઈ’તી લેવા બંગડી, લાવી બેઠી શૂળ.
ચકડોળે ચડી ત્યાં નજરું ભટકાણી કોઈ સાથ,
નીચે આવી ત્યાં તો મારો ખોવાયો સંગાથ;
હાથમાં રહી ગ્યો રંગીન ફુગ્ગો, મનમાં ઊગ્યું ફૂલ…
ભૂલ થઈ ગઈ રે…
માડી પૂછે: ‘શું લાવી?’ હું કંઈ બોલી ના શકું,
ઓરડે જઈ આયનામાં હું મને જ છાની તાકું;
ગાલ પર કોઈ ગુલાલ ઊડ્યો, ના ઊડી એની ધૂળ…
ભૂલ થઈ ગઈ રે…
પરાગ કહે: આવી ભૂલનો ક્યાં હોય કોઈ દંડ?
એક નજરમાં ભળી જાય બે અંતરના આનંદ;
આવી ભૂલ જો રોજ કરો તો જીવન રહે મશગૂલ…
ભૂલ થઈ ગઈ રે…
– પરાગ રતનપરા