અજાણ્યો
જનરલ ડબ્બો.
રાતના બે.
સામેની પાટલીએ
એક અજાણ્યો મજૂર
પોટલું ખોલે છે —
બે રોટલા, મરચું, ડુંગળી.
એક રોટલો
ચૂપચાપ મારા ભણી ધરે છે.
ન નામ પૂછ્યું, ન જાત, ન ગામ.
બારીની બહાર
અંધારું દોડે છે,
ને ઉપર
લાખો તારા —
કોઈ કોઈનું નામ જાણતા નથી,
તોય આખી રાત
એકબીજાને
અજવાળું આપ્યા કરે છે.
– પરાગ રતનપરા