કાલ
‘કાલે આવું’ કહી ગયા’તા, કાલ કેટલી લાંબી રે!
રોજ સવારે ઉંબર લીંપું, રોજ સાંજ ઢળે ઝાંખી રે.
તુલસી-ક્યારે દીવો મેલું, રોજ રાખું બાળી,
તેલ પૂરતાં પૂરતાં, સખી, થઈ ગઈ હથેળી કાળી;
કાગ ઉડાડું, કાગ બોલે, આશા રાખું ઝાંખી રે.
‘કાલે આવું’…
ચૂડલે ચૂડલે ગણતી’તી હું દિવસ, મહિના, વરસ,
હવે ગણતરી ભૂલી ગઈ, ને બચી રહી બસ તરસ;
ઝાંઝર મૂંગાં, મેંદી ઝાંખી, ચૂંદડી ઝીણી ફાટી રે.
‘કાલે આવું’…
પરાગ કહે: એ ‘કાલ’ તો, સખી, ઈશ્વર જેવી નીકળી,
કોઈએ દીઠી નથી, છતાંયે સૌના હૈયે ઝળકી;
વાટ જોવામાં જીવી ગઈ હું ઉંમર આખી આખી રે.
‘કાલે આવું’…
– પરાગ રતનપરા