સેટલ
ગામમાં સૌ કહે છે:
‘રમણભાઈનો દીકરો તો સેટલ થઈ ગયો!’
અમેરિકામાં
ત્રણ બેડરૂમ, બે ગાડી,
ને એક કૂતરો —
એનું નામ પણ અંગ્રેજી.
રમણભાઈ
ગામના ઓટલે બેસીને
રોજ સાંજે
ફોનની સ્ક્રીન લૂછ્યા કરે છે,
વીડિયો કૉલની રાહમાં.
ત્યાં દિવસ, તો અહીં રાત;
અહીં દિવસ, તો ત્યાં મીટિંગ.
ગઈ દિવાળીએ દીકરાએ પૂછ્યું:
‘પપ્પા, તમને શું જોઈએ? ઑનલાઇન મોકલું?’
રમણભાઈ કશું બોલ્યા નહીં.
ઑનલાઇન
‘દીકરો’ નામની વસ્તુ
ડિલિવર થતી નથી.
દીકરો સેટલ થઈ ગયો,
ને રમણભાઈ
હજી ઓટલે જ
અનસેટલ્ડ બેઠા છે.
– પરાગ રતનપરા