આવ્યો, બાપ!
નગરમાં
વરસાદ એટલે
ટ્રાફિક, છત્રી, ભજિયાં ને સ્ટેટસ.
ગામમાં
વરસાદ એટલે
ઘેલાકાકાનું આકાશ સામે જોવું,
ખિસ્સામાંથી બીડી કાઢીને
સળગાવ્યા વગર પાછી મૂકવી,
ને ધીમેથી બોલવું:
‘આવ્યો, બાપ!’
— જાણે
પરદેશ ગયેલો દીકરો
ખબર આપ્યા વગર
ઝાંપે આવીને ઊભો હોય.
– પરાગ રતનપરા