ગોરજ ટાણે
ગોરજ ટાણે ગામ સોનેરી, સોનેરી આકાશ,
ઘંટડીઓના રણકે આવે ગાયો ઘરની પાસ.
પનિહારી પાછી વળતી, માથે બેડું ઝળકે,
વાવને કાંઠે વાતો કરતી, ઓઢણી હળવે મલકે;
તળાવ ઉપર બગલાં ઊડે, જાણે ધોળો હાસ…
ગોરજ ટાણે ગામ સોનેરી…
મંદિરમાં ઝાલર વાગે, ને દીવા ઝગમગ થાય,
ચોરે બેઠા ડોસા ગાતા, ભજન ધીમે ગવાય;
ચૂલે રોટલા શેકાતા, ને મ્હેકે આખો વાસ…
ગોરજ ટાણે ગામ સોનેરી…
પરાગ કહે: આ સાંજ ગામની, નગરે ક્યાંથી લાવું?
ટ્રાફિકમાં અટવાયો હું, ને મનથી ગામે જાઉં;
બંધ આંખે ગોરજ જોઉં, ઊઘડે ભીતર ઉજાસ…
ગોરજ ટાણે ગામ સોનેરી…
– પરાગ રતનપરા