← મુખપૃષ્ઠ · કાવ્યસંગ્રહ

ઘણું છે

ઑક્ટોબર ૨૦૨૬કવિતા

જેટલું છે ને, એટલું ઘણું છે, મનવા, જેટલું છે ને,
ઝૂંપડીમાં જો હેત ભર્યું તો મહેલ શું કામનો છે ને?

થાળીમાં રોટલો ને ડુંગળી, છાશનો લોટો ભરેલો,
પડખે બેઠી ઘરવાળી, ને ખોળે દીકરો ઠરેલો;
ચાંદો ઊગે આંગણામાં, એનું ભાડું નથી ભરવું,
આટલું સુખ તો રાજાનેય ક્યાંય નથી મળવું…
જેટલું છે ને…

લોકો દોડે ડૉલર પાછળ, કોઈ દોડે ખુરશી પાછળ,
દોડી દોડી હાંફી જાય, ને જીવન રહે સાવ કાગળ;
અમે તો બેઠા લીમડા હેઠે, ગાતાં ભજન ને ગીત,
અમને ક્યાં કોઈ ખોટ સાલે, સાથે છે મનમીત…
જેટલું છે ને…

પરાગ કહે: ‘ઓછું ઓછું’ કહેતાં આયખું ઓછું થાય,
‘ઘણું ઘણું’ કહીએ તો ખાલી ઘડો પણ છલકાય;
ઈશ્વરને ફરિયાદ નહીં, બસ આભાર કહીએ રોજ,
સંતોષ જ છે સૌથી મોટી દુનિયામાં મોજ…
જેટલું છે ને…

– પરાગ રતનપરા

ગીત
← પહેલો લેખમંઝિલઆગલો લેખ →છૂટા શેર ૩૨૬૬–૩૩૨૫