ઘડામાં શ્યામ
સખી, હું તો જમુનાએ ગઈ’તી પાણી ભરવા,
ઘડામાં જળ નહીં, ભરાઈ આવ્યો શ્યામ!
માથે મૂક્યો ઘડો ને ચાલી હળવે હળવે,
ઘડામાંથી વાંસળી વાગે, ગામ ઊભું આંખ મળવે;
સાસુ પૂછે: ‘કેમ ખાલી?’ હું શું કહું રે નામ?
ઘડામાં જળ નહીં…
રાંધવા બેઠી, તો ચૂલે બળે મોરપીંછ રંગ,
દાળમાં જોઉં તો દેખાય એનો જ શ્યામલ અંગ;
વાસણ માંજું, તોય ઊજળું થાય ન મારું કામ,
ઘડામાં જળ નહીં…
પરાગ કહે: જેના હૈયે ભર્યો હોય ઘનશ્યામ,
એને જળ ભરવાનું ક્યાં રહ્યું કોઈ કામ?
જ્યાં જ્યાં ઝુકાવે ઘડો, ત્યાં ત્યાં છલકે ગોકુળ ગામ…
ઘડામાં જળ નહીં…
– પરાગ રતનપરા