← મુખપૃષ્ઠ · કાવ્યસંગ્રહ

છોકરી હસે તો

ઑક્ટોબર ૨૦૨૬કવિતા

છોકરી હસે તો ગામનો કૂવો છલકાય,
ને છોકરી રિસાય તો આખું ચોમાસું રોકાય.

પાણિયારે બેડલું મૂકી જ્યાં એ ઝાંઝર ઝણકાવે,
પાદરનો વડલોય ડાળ નમાવી સલામ ભરવા આવે;
મંદિરનો ઘંટ પણ એની ચાલને તાલે ગાય.
છોકરી હસે તો…

નિશાળે જાતાં દફતરમાં એ આખું આભ સંતાડે,
માસ્તરના સવાલે સવાલે મેઘધનુષ ઉગાડે;
ચોપડીમાંનું મોરપીંછ પણ પાંખ પસારી ધાય.
છોકરી હસે તો…

પરાગ કહે: આ છોકરી કાલે સાસરિયે જાશે,
ત્યારે ગામની ગલીઓ આખી સૂની સૂની થાશે;
એનાં પગલાં ગણતાં ગણતાં પાદર ભીનું થાય.
છોકરી હસે તો…

– પરાગ રતનપરા

ગીત
← પહેલો લેખમનનો એકતારોઆગલો લેખ →એક છત્રી