મનનો એકતારો
મેં તો મનનો એકતારો સાધ્યો રે, એમાં એક જ નામનો તાર,
રાણાજી, તમે તોડો તોયે વાગે વારંવાર.
મહેલ મળ્યા, મોતી મળ્યાં, ને મળ્યાં રેશમ-ચીર,
મેં તો બધુંયે મેલી દીધું, લીધું જમનાનું નીર;
એક અંજલિમાં પી ગઈ હું આખો રાજદરબાર.
મેં તો મનનો એકતારો…
લોક કહે છે: ‘મીરાં ઘેલી’, હું તો હસી હસી નાચું,
ઘેલછા વિના કોણે દીઠું આ જગમાં કૈં સાચું?
લાજ-મરજાદા ઝાંઝર બાંધી ગાજે ગામ મોઝાર.
મેં તો મનનો એકતારો…
પરાગ કહે: જે ફૂલ ખીલ્યું તે ડાળ ભૂલી ગયું રે,
મ્હેક બનીને પ્રીતમ પાસે સહજ ઊડી ગયું રે;
મીરાં ભળી ગઈ મોરલીમાં, હવે ક્યાં રહ્યો સંસાર?
મેં તો મનનો એકતારો…
– પરાગ રતનપરા