એક છત્રી
ચાલ ને, આપણે એક જ છત્રીમાં થોડું થોડું ભીંજાઈએ,
અડધું તારું, અડધું મારું, આખું ચોમાસું થઈ જઈએ.
તું કહે: ‘મારો ખભો ભીંજાયો’, હું કહું: ‘સ્હેજ સરક’,
છત્રી નાની, પણ હૈયાંમાં ક્યાંય નથી રે ફરક;
ખાબોચિયાંમાં છબછબ કરતાં બાળપણું પાછું લઈએ.
ચાલ ને, આપણે…
રસ્તે ભજિયાંની લારીએ ઊભાં રહીએ બે ઘડી,
એક જ ડિશમાં બે હાથ અથડાય, ને વરસે મીઠી ઝડી;
ચટણી જેવું તીખું-મીઠું જીવતર ભેગાં ચાખીએ.
ચાલ ને, આપણે…
પરાગ કહે: ઘર પહોંચીને છત્રી ખૂણે મૂકશું,
પણ આ ભીના ભીના સાથને ક્યાં કદીયે સૂકવશું?
આખી ઉંમર આમ જ ઝરમર ઝરમર જીવી જઈએ.
ચાલ ને, આપણે…
– પરાગ રતનપરા