ભરોસો
મારે ઝૂંપડીએ દીવો હરિ, મારે ઝૂંપડીએ દીવો,
ભલે તેલ ખૂટે ને વાટ બળે, પણ ભરોસો મારો જીવો.
ખાલી કોઠી ને ખાલી હાંડલાં, ખાલી ખિસ્સાં મારાં,
તોય સાંજે ચૂલો સળગે, એ તો કામ જ તારાં;
ક્યાંથી આવે, કોણ લાવે, તું જ જાણે ભેદ ઊંડો…
મારે ઝૂંપડીએ દીવો…
દીકરીનું આણું આવ્યું, ને ગાંઠે ન મળે કોડી,
સવારે કોઈ અજાણ્યો આવ્યો, ગયો થેલી છોડી;
નામ પૂછ્યું, હસીને કહે: ‘હું તો એનો જ દીવો!’…
મારે ઝૂંપડીએ દીવો…
પરાગ કહે: જે હાથ ઝાલે, એ છોડે નહીં કદી,
વિશ્વાસની એક દોરી પર તરી જાય છે નદી;
મેં તો મારી નાવ મૂકી દીધી, તું જ ખેવૈયો મીઠો…
મારે ઝૂંપડીએ દીવો હરિ, મારે ઝૂંપડીએ દીવો.
– પરાગ રતનપરા