બાની ગોદડી
બાએ સીવી ગોદડી રે, ટાંકે ટાંકે વહાલ,
ઓઢું ત્યાં તો ઊંઘ ઊતરે, ના પૂછે કોઈ સવાલ.
એક કટકો બાની સાડીનો, એક બાપુનું ખમીસ,
એક મોટીબેનનું ફરાક, જેમાં હજી હરખની રીસ;
ઘરનાં સૌ ફાટેલાં સપનાં બાએ સાંધ્યાં સાલોસાલ…
બાએ સીવી ગોદડી રે…
નવી રજાઈ લાવ્યો શહેરથી, મખમલ જેવી નરમ,
ઓઢી તોયે રાત ન વીતી, ના આવી એ ગરમ;
રૂ તો એમાં ભર્યું ઘણું, પણ ક્યાં ભર્યું બાનું વહાલ?
બાએ સીવી ગોદડી રે…
પરાગ કહે: આ ગોદડી નથી, આ તો ઘરનો નકશો,
થીગડે થીગડે ગામ વસે ને ટાંકે ટાંકે કસબો;
ફાટે તોયે ફેંકું નહીં, એ જ મારી ટાઢની ઢાલ…
બાએ સીવી ગોદડી રે…
– પરાગ રતનપરા