← મુખપૃષ્ઠ · કાવ્યસંગ્રહ

અલખનો ઓટલો

ઑક્ટોબર ૨૦૨૬કવિતા

અલખનો ઓટલો રે, એને નહીં ઉંબર, નહીં બારી,
જે આવે એને આવકારો, એવી રીત અમારી.

ભગવાં નહીં, ભભૂત નહીં, નહીં તિલક ને માળા,
મનડું મેલું ધોયું જેણે, એનાં ઊઘડ્યાં તાળાં;
ભીતર બેઠો દીવો ઝગે, બાહર કેમ અંધારી?
અલખનો ઓટલો…

ગાઢ જંગલે રસ્તો ભૂલ્યો, ત્યાં જ મળ્યો મારગ,
ખોવાયો તે પામ્યો, ભાઈ, એવો અવળો આ જગ;
જે ડૂબ્યો તે તરી ગયો, ને તરતો ગયો હારી…
અલખનો ઓટલો…

પરાગ કહે: આ સાધુડાની વાણી સાવ સીધી,
જેણે ખાલી ઝોળી રાખી, એણે દુનિયા લીધી;
અલખ નિરંજન, સૌ જનરંજન, નમું એ ગિરધારી…
અલખનો ઓટલો…

– પરાગ રતનપરા

ગીત
← પહેલો લેખમોડો મેહુલોઆગલો લેખ →મળ્યો કે નહીં?