← મુખપૃષ્ઠ · કાવ્યસંગ્રહ

અચાનક

ઑક્ટોબર ૨૦૨૬કવિતા

મેળો ભરાયો'તો મારે આંગણે રે, અચાનક વીખરાયો,
ચકડોળ ફરતું'તું ને વાગતો'તો પાવો, ત્યાં જ સાંજનો વાયુ વાયો.

હાથમાં ફુગ્ગો ને આંખમાં સપનાં, પગમાં ઘૂઘરિયાળી ચાલ,
ભીડની વચ્ચે કોઈ પૂછતું'તું: ‘ક્યાં છે મારો લાલ?’
રમકડાંની લારી પર સૂરજ નમતો દેખાયો…
મેળો ભરાયો'તો…

તંબુ સંકેલાયા, દીવા ઓલાયા, ધૂળની ડમરી ઊડી,
ખાલી મેદાનમાં રહી ગઈ એકલી કાચની તૂટી ચૂડી;
કોણ આવ્યું'તું, કોણ ગયું, એ કોઈને ના સમજાયો…
મેળો ભરાયો'તો…

પરાગ કહે: આ જીવતર પણ એક મેળો, ચાર દહાડા,
અંત અચાનક આવી ઊભો, ખોલી બંધ કમાડા;
જે માણ્યો, એ જ આપણો, બાકીનો પડછાયો…
મેળો ભરાયો'તો…

– પરાગ રતનપરા

ગીત
← પહેલો લેખઝાંઝરઆગલો લેખ →દયા છે ક્યાં