← મુખપૃષ્ઠ · કાવ્યસંગ્રહ

ઝાંઝર

ઑક્ટોબર ૨૦૨૬કવિતા

આખું ઘર ઊંઘી જાય
ત્યારે હું
ઝાંઝર ઉતારી નાખું છું.

સાસુનો ખાંસીભર્યો શ્વાસ,
પતિનું નસકોરું,
છોકરાંનું ઊંઘમાં હસવું —
બધું સાચવીને
પગલે પગલે
હું અગાસી પર પહોંચું છું.

ત્યાં
મારો પ્રેમી રાહ જુએ છે —
ગઈ કાલે અધૂરી મૂકેલી
એક કવિતા.

ચાંદનીમાં
હું એને બે લીટી વધારે આપું છું,
એ મને
આખી રાત પાછી આપે છે.

સવારે
ઝાંઝર ફરી પહેરી લઉં છું.
કોઈને ખબર નથી
કે આ ઘરની વહુ
રોજ રાતે
અભિસારે જાય છે.

– પરાગ રતનપરા

અછાંદસ
← પહેલો લેખઢોકળાંઆગલો લેખ →અચાનક