આંગણે કાનો
મારે ઘેર રોજ આવે કાનો,
માખણ ચોરે, ને બોલે નહીં, છાનો છાનો…
ફ્રિજ ખોલીને આઇસક્રીમ ખાય, ને મોઢે લાગે મલાઈ,
પૂછું તો કહે: ‘બિલ્લી આવી’તી’, કેવી ભોળી ભલાઈ!
એની આંખમાં જોઉં તો દેખાય ગોકુળ આખું, માનો…
મારે ઘેર…
રાતે ઊંઘે ત્યારે માથું મૂકી મારા ખોળે,
નાના નાના હાથે મારું આંસુ લૂછે ભોળે;
એવું લાગે, જશોદા હું, ને એ મારો કાનો…
મારે ઘેર…
પરાગ કહે: જે ઘરમાં બાળક હસતું-રમતું હોય,
ત્યાં જ વૃંદાવન, ત્યાં જ ગોકુળ, બીજે ક્યાંય ન કોય;
મંદિરે શું શોધે, માડી? આંગણે રમે છે કાનો…
મારે ઘેર…
– પરાગ રતનપરા