પ્રેમમાં
એ જ તો જીત્યા, જગતમાં જાત હાર્યા પ્રેમમાં,
ને ગુમાવ્યા એ જ જેણે દાવ ધાર્યા પ્રેમમાં.
ઝેર પણ મીરાં હસીને ઘૂંટડે પીતી રહી,
ને ગિરધરે ઝેરના સૌ તાપ ઠાર્યા પ્રેમમાં.
ઘર, કબીલો, ગામ, સૌએ લાખ સમજાવ્યા હતા,
તોય રોકાયા નહીં, જે જીવ વાર્યા પ્રેમમાં.
રાત, તોફાની નદી, ને કાચ જેવો એ ઘડો,
તોય એણે ભવ સમંદર સૌ ઉતાર્યા પ્રેમમાં.
આ પરાગે ફૂલ પાસે ગર્વથી માગ્યું નથી,
બસ પવન સાથે વહીને ખુદ નિખાર્યા પ્રેમમાં.
– પરાગ રતનપરા
#ગઝલ #પ્રેમ #મીરાં #સમર્પણ #ત્યાગ #પરાગરતનપરા
#GujaratiGhazal #LoveAndSurrender #Meera #Sohni #LosingToWin #ParagRatanpara