← મુખપૃષ્ઠ · કાવ્યસંગ્રહ

વિસર્જન

ઑક્ટોબર ૨૦૨૬કવિતા

દસ દિવસ
ઢોલ-નગારાં,
ફૂલ, લાડુ, આરતી.
‘ગણપતિ બાપ્પા મોરયા!’

અગિયારમે દિવસે
દરિયે લઈ ગયા.
નાચ્યા, ગુલાલ ઉડાડ્યો,
ને મૂર્તિ પાણીમાં પધરાવી દીધી.

બીજી સવારે
કિનારે
રંગ ઊખડેલા હાથ,
અડધી સૂંઢ,
પ્લાસ્ટરના ટુકડા,
ને પ્લાસ્ટિકની થેલીમાં ફસાયેલી
એક માછલી.

માછીમારનો છોકરો
અડધું મુખ ઉપાડીને
પૂછે છે:
‘બાપુ, આપણે
ભગવાનને વિદાય આપી
કે દરિયાને?’

– પરાગ રતનપરા

અછાંદસ
← પહેલો લેખમેળે ચાલ્યાંઆગલો લેખ →આભ મારું