વિસામો
હાલ્યો હાલ્યો તોય ન આવ્યું મારું ધાર્યું ગામ,
હવે તો વડલા હેઠે બેસું, લઉં ઘડીક વિસામ.
પગમાં ફોલ્લા, માથે તડકો, ખભે ગાંસડી ભારે,
જે મળ્યું તે પૂછ્યું: ‘ભાઈ, કેટલું આઘું, ક્યારે?’
સૌ કહે: ‘બસ, આ ટેકરી પાછળ’ — ટેકરીઓ તમામ…
હવે તો વડલા હેઠે…
વડલો બોલ્યો: ‘હું ય ઊભો સદીઓથી એક ઠામે,
તોય આખું આકાશ મારી ડાળે આવી જામે;
દોડ્યે મળે તે ઓછું, થોભ્યે મળે તમામ’…
હવે તો વડલા હેઠે…
પરાગ કહે: મેં ગાંસડી છોડી, ખોલ્યું ભીતરનું બારું,
ધાર્યું ગામ તો મારી અંદર, ક્યારનું હસતું ન્યારું;
થોભ્યો ત્યાં તો પહોંચી ગયો, ને મળ્યા મને મારા રામ…
હવે તો વડલા હેઠે…
– પરાગ રતનપરા