← મુખપૃષ્ઠ · કાવ્યસંગ્રહ

અજાણ્યા સૈનિકની મા

ઑક્ટોબર ૨૦૨૬કવિતા

યુદ્ધ પૂરું થયું
એને વીસ વર્ષ થયાં.

કબ્રસ્તાનમાં
હારબંધ સફેદ પથ્થરો છે —
કોઈ પર નામ,
કોઈ પર માત્ર
‘એક સૈનિક,
જેનું નામ
ઈશ્વર જાણે છે.’

એક ડોશી
દર વર્ષે આવે છે,
હાથમાં
એક જ ફૂલ લઈને.

એ નામવાળા પથ્થરો પાસે
નથી અટકતી.
એ તો
દરેક અજાણ્યા પથ્થર પાસે
થોડી વાર બેસે છે,
માથે હાથ ફેરવે છે,
ને ધીમેથી પૂછે છે:
‘તું તો નથી ને, બેટા?’

સાંજ પડે ત્યારે
ફૂલ
છેલ્લા પથ્થર પર મૂકે છે.

એની પાસે
ફૂલ એક જ છે,
દીકરો પણ એક જ હતો —
પણ ધરતીએ
એને
આટલા બધા પથ્થરોમાં
વહેંચી દીધો છે.

– પરાગ રતનપરા

અછાંદસ
← પહેલો લેખવિસામોઆગલો લેખ →ખેડૂત