વસંત
આ વખતે
વસંત
કોઈ બગીચામાં ન આવી.
એ આવી
અધૂરી બંધાતી ઇમારતના
ચોથા માળે,
સિમેન્ટની એક તિરાડમાં —
પીપળાના
બે કુમળા પાંદડાં બનીને.
નીચે
મજૂરણનું બાળક
રેતીના ઢગલે સૂતું હતું.
પવન આવ્યો,
બે પાંદડાં હલ્યાં,
ને બાળક ઊંઘમાં
મલક્યું.
કોઈ કવિએ જોયું નહીં,
કોઈ કૅલેન્ડરમાં નોંધાયું નહીં,
પણ મારે મન
એ જ દિવસે
વસંતપંચમી હતી.
– પરાગ રતનપરા