પહેલો સ્પર્શ
આંગળી અડી ને મારું આખું આભ ઝબક્યું રે,
ઝાંઝરનું એક ઝીણું મોતી ઓચિંતું ટપક્યું રે.
મેળાની ભીડમાં હાથે હાથ ભટકાણા,
તમે શરમાયા ને અમે પણ ગભરાણા;
ચકડોળ ઊંચે ગયું ને હૈયું પણ ઊછળ્યું રે…
આંગળી અડી ને…
ઘરે આવીને મેં તો હથેળી ધોઈ નહીં,
સૂતાં સૂતાં રાતે આખી, મનડું ક્યાંય ખોઈ ગઈ;
સપનામાં ફરી ફરીને એ ટેરવું ઝળક્યું રે…
આંગળી અડી ને…
પરાગ કહે: આ પહેલો સ્પર્શ, જીવનભર રહેશે,
ઘરડાં થાશો તોય આ ક્ષણ ધીરેથી કહેશે;
‘એક દિ’ આ હથેળીમાં ફૂલ આખું ખીલ્યું રે…’
આંગળી અડી ને…
– પરાગ રતનપરા