વરસાદ ટપાલી
આભ લખે છે કાગળ, ને વરસાદ ટપાલી થાય,
ટીપે ટીપે સરનામું, ને ગામ આખું વંચાય.
પહેલું ટીપું ખેડુ નામે, હરખે ભીંજે ખેત,
બીજું ટીપું કુંવારીના આંગણ ઉગાડે હેત;
ત્રીજું ટીપું છાપરું ચૂવે, બાપુ ચિંતા ખાય…
આભ લખે છે કાગળ…
છોકરાંઓની હોડી લઈને ગલીઓ નદી બની,
કાદવ ખૂંદતાં દાદાને પણ યાદ આવી ઘણી;
ભજિયાંની સુગંધે આખું ફળિયું મલકાય…
આભ લખે છે કાગળ…
પરાગ કહે: એક કાગળ મારો હજી નથી આવ્યો,
જેની ખાતર ઝરૂખે મેં દીવો રોજ જલાવ્યો;
વાદળ આવે, વરસી જાય, એ કાગળ ક્યાં લવાય?
આભ લખે છે કાગળ…
– પરાગ રતનપરા