← મુખપૃષ્ઠ · કાવ્યસંગ્રહ

વચન

ઑક્ટોબર ૨૦૨૬કવિતા

તેં
ચાંદની સાક્ષીએ
મારી હથેળી પર
આંગળીથી
એક વચન લખ્યું હતું.

શાહી નહોતી,
એટલે ભૂંસાયું નહીં.
અક્ષર નહોતા,
એટલે કોઈ વાંચી ન શક્યું.

વર્ષો પછી
હસ્તરેખા જોનારે
મારી હથેળી જોઈને કહ્યું:
‘આ એક રેખા
ક્યાંય જતી નથી,
અધવચ્ચે જ અટકી જાય છે.’

મેં મૂઠી વાળી દીધી.

એ રેખા
ક્યાંય જતી નથી, ભાઈ —
એ તો
એક જણની રાહ જોતી
ત્યાં જ ઊભી છે.

– પરાગ રતનપરા

અછાંદસ
← પહેલો લેખઢીંગલીઆગલો લેખ →જોઈએ