ઢીંગલી
સ્મશાનેથી પાછા આવ્યા
ત્યારે
ઓસરીમાં
એની ઢીંગલી
ઊંધી પડી હતી.
કોઈએ ઉપાડી નહીં.
બધાં
એની આસપાસથી
એવી રીતે પસાર થતાં
જાણે
એ પણ
કોઈ નાની લાશ હોય.
રાતે
બધાં ઊંઘી ગયાં
ત્યારે
એની મા ઊઠી,
ઢીંગલી ઉપાડી,
એના વાળ ઓળ્યા,
ફ્રૉક સરખું કર્યું,
ને
પોતાની પડખે
સુવાડી દીધી.
સવારે
ઘરમાં કોઈ બોલ્યું નહીં,
પણ
ઢીંગલી
સીધી બેઠી હતી.
– પરાગ રતનપરા