વાસો
જીવ રે! તું કિયે ઘેર કરીશ જઈ વાસો?
કાયાની કોટડી ઢીલી પડી, હવે શેનો ભરોસો?
આંખ્યુંના ગોખ હવે ઝાંખા પડ્યા, ને કાનના ખૂટ્યા ખીલા,
હાથના હળ ને પગના પૈડાં, પડ્યાં રે સાવ ઢીલાં;
ઓસરીએ ઊભો મરણનો વાયરો, આપે છાનો દિલાસો…
જીવ રે! તું…
ખેતર મેલ્યાં, ઢોર મેલ્યાં, મેલી ઘરવાળી રોતી,
મેલ્યાં રે છોરાં, ને મેલી ખાટલે સાંજની જ્યોતી;
પીંજરું મેલી પંખી ઊડે, ત્યાં ક્યાં છે કોઈ ફાંસો?
જીવ રે! તું…
પરાગ કહે: તું ઘર શોધે, પણ ઘર તો ઘટની માંય,
જે ઘટ તને ઘડ્યો, એ જ ઘટમાં સમાઈ જાજે ભાઈ;
એક દીવો ઓલાય, ને બીજો પ્રગટે, એ જ તમાશો…
જીવ રે! તું…
– પરાગ રતનપરા