← મુખપૃષ્ઠ · કાવ્યસંગ્રહ

વાંસળીના છેદ

ઑક્ટોબર ૨૦૨૬કવિતા

વાંસળીના સાત છેદમાં બેઠો નંદનો લાલ,
ફૂંક મારે તો ગોકુળ ગાજે, ના મારે તો કાળ.

પહેલે છેદે જમુના ઝૂલે, બીજે ગાયોનું ધણ,
ત્રીજે રાધા ઝાંઝર ઝમકે, ચોથે ભીનું વન;
પાંચમે માની મટકી ફૂટે, ઢોળાય માખણ-થાળ…
વાંસળીના સાત છેદમાં…

છઠ્ઠે છેદે મથુરા સાદે, સાતમે દ્વારિકા દૂર,
એક જ ફૂંકે આખું જીવતર વહેતું થાય સૂર;
ગોપી પૂછે: ‘આ વાંસળી છે કે વિરહનો કાળ?’
વાંસળીના સાત છેદમાં…

પરાગ કહે: આ વાંસળી તો છે ખાલી ખાલી વાંસ,
ભીતર ખાલી કરો તો એમાં કાનો પૂરે શ્વાસ;
ખાલીપણામાં જ ગુંજે છે ગિરધર ને ગોપાલ…
વાંસળીના સાત છેદમાં…

– પરાગ રતનપરા

ગીત
← પહેલો લેખસાત સૂરઆગલો લેખ →પરિવાર